નારદીપુરનો ઈતિહાસઃ
નારદીપુર કલોલ તાલુકાનું મોટું ગામ છે. નારદીપુર એ ‘નારદી’ અને ‘પુર’ એવા બે શબ્દોથી જોડાયેલું છે. ‘નારદી’નો અર્થ દેવર્ષિ નારદના નામ પરથી આવેલ છે. અને ‘પૂર’ એટલે નગર તેવો અર્થ થાય છે. એટલે ‘નારદનું નગર’ એવી માન્યતા છે. તેનો કોઈ નક્કર પુરાવો નથી.
નારદીપુરનું પૌરાણિક કાળનું નામ ‘પ્રાગજ્યોતિષપુર’ હતુ તેવુ મનાય છે. નારદીપુર ગામનો કાળીચૌદશનો ગરબા ઉત્સવ એ પ્રાગજ્યોતિષપુર નગરના લોકોએ નરકાસુરના કાળીચૌદશના દિવસે વધ થયા પછી ઉજવેલા વિજયોત્સવની વાર્ષિક ઉજવણી છે અને આદ્યાદેવીની આરાધના પણ છે. નારદીપુર નામ ધરાવતું ગામ બીજે ક્યાંય નથી તે ગામની ખાસિયત અને પૌરાણિક કથાનું મહત્વ વધારે છે.
નારદીપુરની પવિત્ર ભૂમિઃ
અનેક તપસ્વીએ નારદીપુરની ગામની ભૂમિમાં તપ કર્યું છે અને તેમના તપના પ્રભાવથી ગામની ભૂમિ પવિત્ર અને પાવન કરી છે. આજથી ૨૦૦ વર્ષ પહેલાં જ્ઞાનસંપ્રદાયના આદ્યસ્થાપક તથા આદ્યપ્રવર્તક શ્રી કરૂણા સાગર મહારાજના સમકાલીન તેમજ તેમના સમર્થક મહાન તપસ્વી શ્રી રઘુરામ મહારાજે નારદીપુર ગામની પાદરમાં ગામ-કુવા કાંઠે વડના વૃક્ષની નીચે એકધારું ઉગ્ર તપ કર્યું હતું.
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આદ્યપ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામીના ઉત્તર ગુજરાતના વિચરણ દરમિયાન નારદીપુર ગામમાં તેમના પાર્ષદો સાથે પધાર્યા હતા અને ગામમાં ત્રણ દિવસ રોકાયા હતા. અનેક નામી અને અનામી સાધુ સંતો મહાત્માઓ નારદીપુર ગામમાં વખતોવખત પધારતા અને પોતાના પુનિત ચરણોથી ગામની ભૂમિને પાવન કરતા રહ્યા છે.
સાધુ, સંતોના પવિત્ર સમાધિ સ્થળો તથા સ્મારકોઃ
શ્રી ભીમનાથ મહાદેવનું જે પ્રાચિન મંદિર છે તેમના પ્રાંગણમાં શ્રી હંસગીરી મહારાજનું સમાધિન સ્થાન છે. તેઓએ યુવાન વયે જીવતા સમાધિ લીધી હતી. આ સમાધિ સ્થાન અત્યંત ચમત્કારીક હોવાનું ગામલોકો માને છે. શ્રી લંબેનારાયણ આશ્રમના પટાંગણમાં આશ્રમના આદ્યસ્થાપક પરંપૂજ્ય શ્રી પ્રકાશાનંદ તીર્થનું સમાધિસ્થાન છે. સ્વામીશ્રી અખંડાનંદ પરમહંસના પટાંગણમાં આશ્રમના આદ્યસ્થાપક સ્વામીશ્રી અખંડાનંદ પરમહંસનું સમાધિસ્થાન છે. કબીર ટેકરીમાં કબીર સંપ્રદાયના સાધુઓના સમાધિ સ્થાનકો છે.
નારદીપુર એક વેપારી અને ઉદ્યોગમથકઃ
નારદીપુર ગામ એક જમાનામાં સમગ્ર પંથકનું એક મોટું વેપારી મથક હતું. ત્યારબાદ તેનું સ્થાન રેલ્વે લાઈનને કારણે રાંધેજાએ ઝૂંટવી લીધું. નારદીપુર ગામે વેપારી મથકની સાથે ઔદ્યોગિક કેન્દ્ર પણ હતું. ઘણા ઉદ્યોગો હતા તેમાં રંગાટી કાપડ ઉદ્યોગ ગામનો મહત્વનો ઉદ્યોગ હતો. તેનું કાપડ જેવું શૈલા, સીદીરયો, બાંધણીયો, બંગાળાં, કસુંબા વગેરેની નિકાસ થતી. કાપડ વણાટ માટેની અસંખ્ય હાથશાળાઓ હતી. ખાદ્ય તેલના ઉત્પાદન માટેની બળદઘાણીઓ હતી. સોના-ચાંદીના ઘરેણાં ઘડવાના ઉદ્યોગો હતા. માટીના વાસણો, નળીયા અને ઈંટનું ઉત્પાદન થતું હતું. પગરખાં ઉત્પન્ન કરતા મોચીઓના કુંટુંબો હતા. સિલાઈ ઉદ્યોગ પણ પંથકમાં જાણીતો હતો. દેશી બીડી ઉદ્યોગની એક જમાનામાં બોલબાલા હતા.
નારદીપુર ગામ આઝાદીની લડતમાં:
નારદીપુર ગામના વતની (૧) શ્રી જ્યંતિલાલ ત્રિકમલાલ મહેતા, (૨) રણછોડલાલ પુરૂષોત્તમદાસ પટેલ અને (૩) શ્રી નટવરલાલ મણિલાલ પંડિત આ ત્રણ મહાનુભાવોએ સ્વાતંત્ર્ય ચળવળમાં આગળ પડતો ભાગ લેવા યા જેલવાસ ભોગવવા બદલ રાજ્ય સરકાર તરફથી “સ્વાતંત્ર્ય સેનાની” તરીકેનું સન્માનપત્રક તથા પેન્શન મેળવ્યું છે અને એ રીતે ગામનું ગૌરવ વધાર્યું છે.